આ બ્લોગ લખવાનો વિચાર જ્યાંથી જડ્યો તે સોર્સ..................
http://on.fb.me/mvo7Qy
http://on.fb.me/mvo7Qy
થોડા દિવસો પહેલા મારા એક અંગત મિત્રના ઘરે જવાનું થયું. એનો સવા વર્ષનો દીકરો છે. હજુ તો માંડ ચાલતા અને બોલતા શીખ્યો છે. એ પણ કાલુ ઘેલું. હું ગયો ત્યારે એ એના પપ્પાના રીલાયન્સ સીડીએમએ મોબાઈલ થી રમતો હતો. અમુક કે તમુક બટન દબાવવાથી લાઈટ થાય એવું એને ખબર હતી. મુદ્દે તો લાઈટ થવી એ જ એના માટે કુતુહલની વાત હતી. મેં જ્યારે એને મારો મોબાઈલ ધર્યો તો એના માટે કશું નવું કુતુહલ આવ્યું. એની જ આંગળી પકડીને મેં મારા એક્સપ્રેસ મ્યુઝીક ફોનમાં સોંગ વગાડવાની ડેડીકેટેડ કી દબાવડાવી અને અચાનક જ સોંગ ચાલુ થયું તો એ એકદમ ચોંકી ગયો. પછી એના પપ્પા અને મારી સામે જોઈને હસ્યો. મોબાઈલમાંથી જે અવાજ આવતો હતો એ એના માટે જબરું કુતુહલ હતું. એની આંખોમાં આ કુતુહલ કોઈ ચમત્કારથી કમ ન હતું. થોડી વારમાં તો એ કયું બટન દબાવવાથી સોંગ ચાલુ થાય એ શીખી ગયો.
થોડી વારમાં અમારો ત્રીજો મિત્ર ત્યાં આવ્યો. એની પાસે I phone 4 છે. મેં એનો આઈ ફોન લઈને પેલા ટેણીયાનો ફોટો પાડ્યો. પછી એને બતાવ્યો. આઈ ફોનની ચાર ઈંચની મોટી સ્ક્રીનમાં પોતાનો ફોટો જોઈને એને પાછુ કુતુહલ થયું. એ ઘડીકમાં પોતાના ફોટાને તો ઘડીકમાં મને જોવા લાગ્યો. એના હાસ્યની પાછળ છુપાયેલું અચરજ હું જોઈ શકતો હતો. એના નાનકડા મન માટે આ ઘટના સમજવી મુશ્કેલ હતી. આઈ ફોનમાં એના ફોટાને આંગળી અને અંગુઠાથી પકડીને મેં ઝૂમ કર્યું અને એનો ફોટો મોટો થયો. એનો ચહેરો હવે જરા વધુ ક્લીઅર દેખાવા માંડ્યો. જાણી જોઈને મેં આ સ્ટેપ એની સામે બે-ત્રણ વખત કર્યું અને પછી ફોન એને આપી દીધો. મેં ધારેલું એવું જ બન્યું. એણે પોતાની પહેલી બે આંગળીઓથી સ્ક્રીન પર જેમ ફાવે એમ ઘસવાનું ચાલુ કરી દીધું. મને એમ કે એ પણ ઝૂમ કરવાનો પ્રયત્ન કરશે પણ એ તો કુતુહલવશ કોઈ બટન શોધતો હતો. એને બાપડાને ટચ ટેકનોલોજીની થોડી ખબર હોય?
મેં ત્રણે ફોન લઈને એની સામે મુક્યા. અને એણે ફટાક કરતો આઈ ફોન ઉપાડી લીધો. એક ફોનમાં કેવી રીતે લાઈટ થાય, એક ફોનમાં કેવી રીતે સોન્ગ્સ વાગે એવી એને ખબર હતી. પણ પોતાનો ચહેરો કયું બટન દબાવવાથી દેખાય કે કયું બટન દબાવવાથી મોટો થાય એનું વિસ્મય એના માટે આઈ ફોન તરફનું ખેંચાણ બન્યું. અને જ્યાં સુધી આ અચરજ જાણીતું ના થઇ જાય ત્યાં સુધી એનો પ્રયત્ન ચાલુ રહેવાનો એ પણ નક્કી.
અમુક લોકોને આપણે બાળક બુદ્ધિ કહીએ છે. મારા મતે એ ખોટું છે. ખરેખર બાળક જેવી બુદ્ધિ જો આજીવન રહે તો માણસ જ્ઞાનનો સમુદ્ર બની જાય. બાળક બુદ્ધિનું બીજું નામ છે અચરજ. કુતુહલ. વિસ્મય. કોઈ અગમ્ય રહસ્યને પામવા માટે આવી બાળક બુદ્ધિ જરૂરી નહી પરંતુ અનિવાર્ય છે. કદાચ આ જ બાળક બુદ્ધિથી આઈન્સટાઇન બ્રહ્માંડને જોઈ-સમજી શક્યો. કદાચ આ જ બાળક બુદ્ધિથી કબીર કુદરતના ખેલ ગાઈ-સંભળાઈ શક્યો. આજ બાળક બુદ્ધિ કે કુતૂહલને લીધે થઈને હનુમાને સુરજને ફળ સમજીને ખાવા માટે કુદકો માર્યો હતો.
આ દુન્યવી દુનિયાની ગત પામવા કરતા આવી બાળક બુદ્ધિથી એને નિહાળો તો કંઈ કેટલાય ચમત્કાર આપણી આજુબાજુમાં રોજ થાય છે. ફરી ફરીને એ જ વાત તો સામે આવે છે કે આપણું પાત્ર ખાલી હોય તો જ એમાં જ્ઞાન-ગંગા ભરાય. જો એ પહેલેથી જ ધારી લીધેલી કે માની લીધેલી કે તર્ક-વિતર્કોની એરણે ચકાસી લીધેલી પૂર્વધારણાઓથી ભરેલું હોય તો? આઈન્સટાઇનના સાપેક્ષવાદનો સંદર્ભ પકડીને ચાલીએ તો પ્રકાશના વેગ સિવાય આ આખાય બ્રહ્માંડમાં કશું જ નિરપેક્ષ/સનાતન કે એબ્સોલ્યુટ નથી. કદાચ સત્ય પણ નહી.
જે લાઈટ કે મ્યુઝીક કે ફોટો નાના બાળક માટે એક ચમત્કાર છે તે આપણા માટે ટેકનોલોજીની ફલશ્રુતિથી વિશેષ કંઇ જ નથી. તો પછી સાચું કોણ? આપણે? કારણકે આપણે આમ બનવાના કારણથી લઈને એના પરિણામ સુધીનું બધ્ધું જ જાણીએ છીએ. કે પછી એ નાનું બાળક? કારણકે એ કારણથી લઈને પરિણામ સુધી કશું જ જાણતો નથી. બસ જાણે છે તો માત્ર એની અનુભૂતિ. જે એની જીજ્ઞાસાને જગાડે છે. એના અચરજને પંપાળે છે. એના કુતૂહલને પોષે છે.
ચશ્માં દ્રષ્ટિની ખામીને સુધારવા માટે અને ધૂંધળા દ્રશ્યને સ્પષ્ટપણે જોવા માટે હોય છે. પણ માત્ર એવા લોકો માટે જ જેમને દ્રષ્ટિની ખામી હોય. આજકાલ લોકોને નંબર વગરના ચશ્માં પહેરવાનો વિચિત્ર શોખ જાગ્યો છે. પોતાને ગમતા ચશ્માં પહેરીને દરેક વાતને મુલવવાની એમને આદત પડી ગઈ છે. આવા લોકો આપણને ફેસબૂક કે ટ્વીટર પર ડગલે ને પગલે મળી જશે. અન્ના હજારેથી લઈને સત્ય સાઈબાબા માટે પોતાના ચશ્માંથી જોઈને ક્મેન્ટસ કરે રાખશે. એની સાબિતી માટે જાત જાતના પુરાવાઓ પણ આપશે. વાતને ચુઇંગ ગમની જેમ ખેંચી નાખશે. રાઈનો પહાડ કરી નાખશે. પણ એક નાના બાળકની જેમ કુતુહલવૃત્તિ નહી કેળવે.
કોઈ પણ મુદ્દે કે કોઈ પણ પોઈન્ટ માટે કોઈની સાથે ચર્ચા-યુદ્ધ કરવાની કોઇજ જરૂર હોતી નથી. કારણકે સત્ય પોતેજ સાપેક્ષ છે. તમે કેવી દ્રષ્ટિ કેળવો છો એનાથીજ તમારી સામે સૃષ્ટિ પ્રગટે છે. બાળકની આંખોમાં કુતુહલ છે, વિસ્મય છે, કદાચ એથી જ એની આંખો ચમત્કારને જુવે છે. અનુભવે છે. ચમત્કારને જોવા માટે કે અનુભવવા માટે કોઈ બાબા સાધુની કે કોઈ દૈવી શક્તિની નહી પણ માત્ર અને માત્ર કુતુહલવૃત્તીની જરૂર છે. બાળક બુદ્ધિ થવાની જરૂર છે. મારી પોતાનીજ વાત કરું તો વિજ્ઞાને કરેલા ચમત્કારો સમજવા માટે હું હંમેશા બાળક બુદ્ધિ થતો હોઉં છું પણ ભગવાનનું અસ્તિત્વ સ્વીકારવા માટે કે કુદરતની અનેક અગમ્ય કરામતો સમજવા માટે હું તર્કનો છેડો ઝાલી લઉં છું અને મારી બાળક બુદ્ધિને ખૂણામાં ધકેલી દઉં છું.
બાળક બુદ્ધિ થવા માટે કે કુતુહલવૃત્તિ કેળવવા માટે જરૂરત છે પોતાના ભૂલ-ભરેલા તથ્યો-તર્કોનું આવરણ ઉતારીને નાગા થવાની. પણ કોઈ શું કહેશે કે કોઈ શું માનશે એની શરમમાં આપણે એ આવરણ ઓઢી રાખીએ છે. એ આવરણમાં વિંટળાયેલા રહીને આપણે કુતુહલવૃત્તિ ગુમાવી દઈએ છીએ અને પહેરી લઈએ છીએ આપણી મન-ગમતી સૃષ્ટિ જોવાની દ્રષ્ટિ આપતા ચશ્માં..............
છે ને એક અજબની દુવિધા................!!
સકારાત્મક વાત.....
ReplyDeleteવાહ...મઝા આવી ગઈ....!!
- મયુર પટેલ
Thanks Mayur.......!!
ReplyDelete