Friday, January 8, 2010

અખિલ બ્રહ્માંડ_mind-finger connection part 2

અફાટ, અમાપ, અસીમ અને અનંત કહેવાતા આ બ્રહ્માંડના રહસ્યો જાણવા મથતા મારા આ નાનકડા મને થોડા વિચાર ઉપજાવ્યા છે. 


અનાદિકાળથી ચાલ્યા આવતા આ બ્રહ્માંડને સમજવા માટે એક જીવન પુરતું નથી. બ્રહ્માંડના રહસ્યો ગુઢ છે.

ઉર્જા અને પદાર્થ વચ્ચે ચાલતી આ એક અનોખી રમત છે. બહુ થોડા લોકો આનો ભેદ પારખી શક્યા છે. ઉર્જા સર્વવ્યાપી છે, નિરંતર છે, ક્ષણભંગુર કે સ્થિતપ્રજ્ઞ નથી. સદાય વહેતી છે. બ્રહ્માંડના જન્મ સાથે ઉર્જાનો જન્મ થયો છે તો બ્રહ્માંડના અંત સાથે ઉર્જાનો પણ અંત આવી જશે. બ્રહ્માંડના જન્મ સાથે ઘણી બધી વિચારધારાઓ સંકળાયેલી છે. ભૌતિક વિજ્ઞાનીઓ એને cosmological models કહે છે. આ models માં સૌથી વ્યાપક છે

Big bang theoryબ્રહ્માંડની ઉત્પત્તિ આ theory મુજબ થઇ છે એમ માનીએ તો ઉત્પત્તિ પછીના ઘણા બધા પ્રશ્નોનું નિરાકરણ આવી જાય છે.

સૌ પ્રથમ તો આ theory સમજવાનો પ્રયત્ન કરીએ.

અગાસીમાં રાત્રે ખુલ્લા આકાશ તરફ નજર નાખો તો આકાશની વ્યાપકતાનો ખ્યાલ આવે છે. ચમકતા તારાઓની વિશાળ ચાદર જોઇને સ્હેજે એવો પ્રશ્ન થાય કે આ ચાદર કેટલી ફેલાયેલી હશે? આનો અંત હશે ખરો? જો અંત હોય તો આરંભ પણ હોવો જ જોઈએ. શું આ તારાઓ સદાયને માટે આમ જ ચમકે છે? શું એમની ચમક ક્યારેય ઓછી થતી નથી?

શું આ આકાશ સદાય આવું જ રહે છે? કે પછી એ બદલાય પણ છે? અને જો એ બદલાતું હોય તો પહેલા એ કેવું હતું અને પછી એ કેવું થશે?

જરાક અમથું પણ જો મન ને આ બધા વિચારો કરવા માટે છુટ્ટું મૂકી દઈએ તો એ તો આપણી પજવણી ચાલુ કરી દે. આવું જ કોઈનું મન ભૂખ્યું થયું હશે અને એક પછી એક સવાલોના જવાબ શોધીને એની ભૂખ મટી હશે.

આકાશ ઘણો નાનો શબ્દ છે. આકાશની પેલે પાર અવકાશ છે અને એ અવકાશને આવરતું બ્રહ્માંડ છે. તારા સાથે તારો જોડાય છે અને એમનો સમૂહ આકાશગંગા/galaxy કહેવાય છે. આવી અનેક galaxies મળીને રચે છે આપણું બ્રહ્માંડ.

એડવીન હબલ નામના વિજ્ઞાનીએ આવી galaxies ને પોતાના telescope નો ઉપયોગ કરી ને એક બીજાથી દુર જતી જોઈ. એના આ observation થી Big bang theory નો જન્મ થયો.

જો galaxies એકબીજાથી દુર ભાગી રહી છે તો કોઈ એક સમયે એ એકબીજાની નજીક હતી. વધારે વ્યવસ્થિત રીતે સમજવા માટે એક ઉદાહરણ લઈએ. લગ્ન પ્રસંગે લગ્ન મંડપમાં ફોડવામાં આવતા કાગળના ફટાકડા યાદ છે? નીચેથી દોરી ખેંચીએ એટલે એક box મા રહેલા બધા કાગળીયા ધડાકાભેર બહાર આવે છે અને ચારે દિશામાં ફેલાવા માંડે છે. આ દરેક કાગળિયાને એક એક galaxy સમજી લો તો જણાય કે અત્યારે એક બીજાથી દુર જતી galaxies ભૂતકાળમાં બિલકુલ આવી રીતે જ એક box મા બંધ હશે.વિજ્ઞાનીઓ આ box ને cosmic egg કહે છે. cosmos નો અર્થ બ્રહ્માંડ થાય છે અને એની ઉત્પત્તિ પહેલા એની અનંત ઉર્જાને પોતાનામાં સમાવનાર એક બિંદુ જેવા પદાર્થ ને egg કહેવાય છે. અહી "પદાર્થ" શબ્દ વાપરવો ભૂલ ભરેલું કહેવાય કારણકે જ્યારે બ્રહ્માંડનું અસ્તિત્વ નહોતું ત્યારે પદાર્થ પણ અસ્તિત્વમાં આવ્યો નહોતો. એટલે જ્યારે એ cosmic egg ધડાકાભેર ફાટ્યો ત્યારે તેમાંથી ઉર્જાનો અધધ કહેવાય એવો ધોધ વહ્યો. ફટાકડામાંથી કાગળિયા તો આખ્ખે આખ્ખા નીકળે છે પણ egg માંથી galaxies એવી રીતે નીકળી નહોતી.

મૂળ તો પદાર્થ નું જ સર્જન  નહોતું થયું. આપણા સામાન્ય જ્ઞાન પ્રમાણે પદાર્થ એ atoms નો બનેલો છે અને atom પોતે sub atomic particles નો બનેલો છે. આ sub atomic particles છે proton , neutron અને electron.


બ્રહ્માંડની ઉત્પત્તિ વખતે વછુટેલી ઉર્જાએ ધીમે ધીમે આ particles નું સર્જન કર્યું અને એમાંથી બન્યા atoms અને અને એમાંથી પદાર્થ. ઉર્જાની સાથે સાથે ચાર મૂળભૂત બળ/fundamental forces પણ અસ્તિત્વમા આવ્યા.
Gravitational force , strong force , weak force અને electromagnetic force.બસ પછી તો આ ચારની ચોકડીએ મળી ને જોત જોતામાં એક પછી એક તારાનું સર્જન કરવાનું શરુ કરી દીધું. તારાઓ રચાતા ગયા અને galaxies બનતી ગઈ. થોડા વર્ષો પછી દૂધ ગંગા નામની galaxy મા એક તારાનું સર્જન થયું જે સૂર્ય ના નામે ઓળખાયો. હજુ થોડા લાખ વર્ષ વીત્યા બાદ સૂર્યના ગ્રહોનું સર્જન થયું જેમાં ત્રીજો નંબર આવ્યો પૃથ્વીનો. સૂર્ય પોતાના આ ગ્રહ પર થોડો વધુ મહેરબાન હતો એટલે એણે આ ગ્રહ ને છુટ્ટા હાથે oxygen અને atmosphere આપ્યા. બાકી હોય તેમ પાણી ને પાણી ના સ્વરૂપે જ રહેવા દીધું. અને હજુ થોડા હજાર વર્ષે એમાં સર્વપ્રથમ જીવ પ્રગટ્યો. થોડા ઓર વર્ષ વીત્યા અને ઉત્ક્રાંતિ/evolution ના લીધે માણસ માણસ ના આકારમા ઢળ્યો.

અને એ માણસોના ટોળામાંથી એકે આજે પોતાના મનમાંથી આ અખિલ બ્રહ્માંડની ઉત્પત્તિના વિચારો આ બ્લોગના માધ્યમથી રજુ પણ કરી દીધા.

***

બસ આજે કશું લખવાનું મન થયું હતું અને મન કેટલાય દિવસોથી બ્રહ્માંડના જ વિચારોમા અટવાયેલું હતું તો થયું કે થોડું આ mind -finger connection ના નામે અહી પણ ઉતારી દઉં.

No comments:

Post a Comment