૩. Before Sunrise
પ્રેમ કરવો એટલે સતત કોઈને I Love You કહ્યા કરવું કે કોઈની પાસે બોલાવડાવ્યા કરવું એમ તો નહીજ થતો હોય. હું ભારપૂર્વક તો કહી શકું એમ નથી કારણકે આ પ્રકારના પ્રેમનો મને જરાક પણ અનુભવ નથી. પણ Before Sunrise જોયા પછી એટલું માનવાનું મન ચોક્કસ થાય છે કે પ્રેમ એક પણ વાર I Love You કહ્યા વગર પણ સામે છેડે પહોંચે છે.
પ્રેમની જ્યાં માત્ર અનુભૂતિ જ હોય અને ક્યાંય જણાયા વગરની હાજરી હોય એવો નિર્મળ અને વિશુદ્ધ પ્રેમ આ ફિલ્મમાં બે પાત્રો વચ્ચે દેખાઈ આવે છે. આખી ફિલ્મમાં માત્ર વાતો અને બસ વાતો જ છે.
ફિલ્મ શરુ થાય છે એક ટ્રેનમાં જ્યાં એક અમેરિકન છોકરો અને એક ફ્રેંચ છોકરી અમસ્તા જ વાતચીત શરુ કરી દે છે અને એ દોર પછી અટકતો જ નથી. એકબીજાની ગમતી વાતો, એકબીજાના સિક્રેટસ અને એકબીજાની મશ્કરી કરતા કરતા રાત પડવા આવી જાય છે. બંને જણા બસ આમ જ વાતો કરતા કરતા રાત વિતાવવાનું નક્કી કરે છે. અને મોડી રાત સુધીમાં એ બંનેને એટલું તો સમજાઈ જ જાય છે કે બંને કદાચ એકબીજા માટે જ બનેલા છે.
જીવન વિશેનો બંનેનો અભિગમ ભલે અલગ અલગ હોય પણ જીવન જીવવાની બંનેની જે તલબ છે એ બંનેને આખરે એકબીજાના પ્રેમમાં પાડી દે છે. ફિલ્મમાં ક્યાંય વેવલાવેડા કે આછાકલાપણું બતાવ્યું નથી. જાત જાતના ને ભાત ભાતના કોઈ પ્રોમીસ કે વચનો કે દીલફાડ પ્રેમ કરવાની ક્યાંય સાબિતીઓ આપવી પડતી નથી. આકાશના તારા તોડી લાવવાની કે કોઈના માટે દુનિયા સામે લડી લેવાની બડાઈઓ પણ નથી. એટલે જ તો આ પ્રેમ નિર્મળ અને પવિત્ર લાગે છે.
આખરે સવાર પડે છે અને જે પળની નાછૂટકે રાહ જોવાતી હતી એ પળ આવી પહોંચે છે. બંનેને હવે જુદા પડવાનું છે. બંને આ જ જગ્યાએ ફરી મળવાનું નક્કી કરે છે. એકઝેટ છ મહિના પછી. હાથમાંથી હાથ છૂટી જાય છે અને આખરે બે માંથી એક જણને લઈને ટ્રેન ઉપડી જાય છે. ફિલ્મ હોવા છતાં પણ કોઈ ફિલ્મી રોના ધોના કે ડ્રામેબાજી નઈ. માત્ર અને માત્ર વાસ્તવિકતા. બંને અલગ પડી જાય છે પણ બંને પાસે હવે છે એકબીજાની સાથે વિતાવેલી જીવનની સૌથી યાદગાર પળો.
હિન્દી ફિલ્મ હોત તો હજી ખેંચી ખેંચી ને વાર્તાને ચૂંથી નાખી હોત. પણ પ્રેમને બે મળેલા જીવો વચ્ચે જીવતો રાખીને અહી ફિલ્મ પૂરી થઇ જાય છે.
***
મેં હજી સુધી પ્રેમનો અનુભવ કર્યો નથી. પણ હે પ્રભુ, કોઈ મને પ્રેમ કરનારું મળે કે હું કોઈના પ્રેમ માં પડું તો પ્રેમની આવી ઊંડાઈ અને આવી નિર્મળતાનો મને ચોક્કસ અનુભવ કરાવજે.
mOnaRk's Verdict : **** (4/5)
No comments:
Post a Comment