Sunday, November 1, 2009

હિન્દુસ્તાનનું દિલ જુઓ..........

પ્રિયદર્શન..........હિન્દુસ્તાનનું દિલ પારખનારો ઝવેરી.

કારણ?

જરા યાદ કરીએ માલામાલ વીકલીના શરૂઆતના દ્રશ્યો. લાહોલી ગામની મંજીરા નદીના ખળખળ વહેતા પાણી સાથે પણીયારીઓ અને બળદગાડાના ફરતા પૈડા સાથે ઢળતી સાંજનું એ દ્રશ્ય. કે પછી હલચલ ફિલ્મના એ દ્રશ્યો જેમાં નદીની કોતરોની વચ્ચેથી નીકળતી કેડીઓમાં એકની પાછળ એક જોડાઈને ઠાકુરના ઘરે પહોચતું અનપરા ગામનું માનવ મહેરામણ. અને બુદબુદા ગામની લોકલ બસમાંથી ઊતરીને પોતાની દુકાન ખોલતો વાળંદ બિલ્લુ. અને વિરાસત તો પ્રિયદર્શને ભારતીય સિનેમાને આપેલી ભારતીય ગામડાઓની અદભૂત વિરાસત છે.
 
હેરાફેરી નો પેલો પાક્કો મરાઠી માનુસ બાબુભાઈ તો બોલીવુડના અમર પાત્રોમાનું એક છે. તો ભુલ ભુલૈયામાં ભારતીય હવેલીઓની રચના અને ભૂત-પ્રેત અંગેની અનેક શંકા અને સમાધાન એકદમ હળવાશમાં કહેતા પ્રિયદર્શનને ક્યાં વાર જ લાગે છે? ડોલી સજાકે રખનામાં અક્ષય ખન્ના અને જયોતિકાને પોતાનો એકબીજા તરફનો પ્રેમ છોડવા મજબુર કરે એવા નાનું કુટુંબ સુખી કુટુંબ અને સંયુક્ત કુટુંબના લાજવાબ રીતે વણેલા તાણાવાણા અને મછવારોની નીડર અને નિખાલસ દુનિયા.........
 
આજનું એડવાન્સ ભારત બાહ્ય રૂપરંગ બદલી રહ્યું છે, પણ એનાથી એક દેશ તરીકેની જે ઓળખ, જે મજબૂતાઈ, ભારતના ગામડાઓએ બક્ષી છે એ થોડી છુપાઈ જવાની છે? પ્રિયદર્શનનું કામ બહુ વખોડાય છે અને એમ કહેવાય છે કે એની ફિલ્મો ઓરીજીનલ નથી હોતી. પણ તો શું થઇ ગયું? તમે કોઈની સ્ક્રીપ્ટ કે સ્ટોરી ઉઠાવી શકો પણ જ્યારે કેમેરો ફેરવવાનો આવે ત્યારે કેટલા ડાયરેકટર પ્રિયદર્શનની જેમ આવો કમાલ બતાવી શકે છે?
 
એમણે એમના મનના કેમેરાથી આપણને હિન્દુસ્તાનના દિલનું અદભૂત દર્શન કરાવ્યું છે અને હજી કરાવતા રહેશે.............
 
મારું તો મન થાય છે કે આવા જીવંત દ્રશ્યોથી ભારતીય ગામડાઓને પરદા પર જીવંત કરનારા આ વિરલ વ્યક્તિને એક સલામ કરવાની.................
 
સલામ પ્રિયદર્શન......................

No comments:

Post a Comment